કેમેરા પાછળનું અધૂરું સત્ય: સોશિયલ મીડિયા, વાલીઓની જીદ અને મૂંઝાતો શિક્ષક

 આજકાલ સોશિયલ મીડિયા પર બે પ્રકારના વીડિયો ખૂબ વાયરલ થતા જોવા મળે છે. એક વીડિયોમાં કોઈ આચાર્ય સવારે શાળાનો ગેટ સમયસર બંધ કરી દે છે, અને બહાર ઉભેલા વાલીઓ હોબાળો મચાવે છે. બીજા વીડિયોમાં શાળા પરિસર કે પોતાનો વર્ગખંડ સાફ કરતા બાળકોનો વીડિયો ઉતારીને એવો દાવો કરવામાં આવે છે કે, "જુઓ, શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે!"

એક શિક્ષક તરીકે જ્યારે હું આવા વીડિયો જોઉં છું ત્યારે મન વિચલિત થઈ જાય છે. દીવા જેવી સ્પષ્ટ વાતોને પણ આજે સોશિયલ મીડિયાના ચશ્મા ચડાવીને કેવી રીતે વિકૃત કરવામાં આવે છે, તે ખરેખર ગંભીરતાથી વિચારવા જેવું છે.

૧. સમયપાલન એ બંધન નથી, સંસ્કાર છે

વાયરલ વીડિયોમાં આચાર્યની દલીલ તદ્દન યોગ્ય છે કે જો સાડા સાત વાગ્યે પ્રાર્થના શરૂ થતી હોય, તો વિદ્યાર્થીઓએ સમયસર આવવું જ જોઈએ. વારંવાર મોડા આવતા વિદ્યાર્થીઓ આખી શાળાની એકાગ્રતા અને વ્યવસ્થા ભંગ કરે છે. પરંતુ વાલીઓ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે આચાર્ય સાથે ગેરવર્તણૂક કરે છે.

અહીં સવાલ એ થાય છે કે આ પરિસ્થિતિમાં બાળક શું શીખશે? બાળક મનમાં એવું જ ગ્રહણ કરી લેશે કે: "હું ગમે તેવી ભૂલ કરીશ, નિયમો તોડીશ, તો પણ મારા વાલી મારી પડખે ઊભા રહીને મારું ખોટું પણ સાચું ઠેરવી દેશે." આ માનસિકતા બાળકના ભવિષ્યને ધૂંધળું કરી રહી છે. આપણી ઈચ્છા મુજબ કામ ન થાય એટલે તરત તેનો વિરોધ કરવો એ કેટલું યોગ્ય?

૨. સફાઈ એ મજૂરી નથી, સ્વાવલંબન છે

બીજો મુદ્દો છે શાળામાં શ્રમનું મહત્વ. હા, બાળકો પાસે ઈંટો ઉપડાવવી કે ભારે મજૂરી કરાવવી એ ગુનો છે અને તે ક્યારેય ન જ હોવું જોઈએ. પરંતુ પોતાની બેઠક વ્યવસ્થા સાફ કરવી, પોતાના વર્ગખંડનો કચરો સાફ કરવો કે શાળા પરિસરને સ્વચ્છ રાખવું એ 'શ્રમની ગરિમા' (Dignity of Labor) શીખવવાનો જ એક ભાગ છે.

જો બાળક પોતાની શાળાને સાફ રાખતા નહીં શીખે, તો એ મોટો થઈને દેશ પ્રત્યેની પોતાની સ્વચ્છતાની જવાબદારી કેવી રીતે સમજશે? દુનિયાના શ્રેષ્ઠ ગણાતા જાપાનના શિક્ષણ મોડલમાં બાળકો પોતે પોતાની શાળા સાફ કરે છે. પણ આપણા સમાજમાં તેને નકારાત્મક રીતે રજૂ કરીને વાયરલ કરી દેવામાં આવે છે.

શિક્ષકનો ડર અને સમાજની જવાબદારી

આજે સોશિયલ મીડિયાના ખોટા ડર નીચે એક સારો અને નિષ્ઠાવાન શિક્ષક સતત દબાણમાં જીવે છે. હું એવું નથી કહેતો કે બધા જ શિક્ષકો દૂધે ધોયેલા છે. સમાજના દરેક ક્ષેત્રની જેમ શિક્ષણમાં પણ પચાસ ટકા લોકો એવા હોઈ શકે જેમને કંઈ કરવું નથી કે સારો બદલાવ લાવવો નથી. પરંતુ જે શિક્ષકો ખરેખર બાળકોનું ભવિષ્ય સુધારવા કડક નિયમો રાખે છે, તેમને પ્રોત્સાહન આપવાને બદલે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે.

અંતમાં એટલું જ...

વાલીઓને નમ્ર વિનંતી છે કે શાળા અને શિક્ષક તમારા બાળકના વિરોધી નથી. શિસ્ત વગરનું શિક્ષણ એ સુકાન વગરના વહાણ જેવું છે. સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને વાયરલ કરવાની લ્હાયમાં આપણે આપણા જ બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલી રહ્યા છીએ, તે સમજવાનો સમય હવે પાકી ગયો છે.

Comments