સ્વાભિમાન થી આત્મનિર્ભરતા...

       સ્વાભિમાન એટલે આત્મગૌરવ. હું પાંગળો, તુચ્છ, પામર નથી અને મને બીજાથી વિશેષ મારી પોતાની વિચારશક્તિ છે, આ વ્યક્તિનો આત્મવિશ્વાસ કેળવશે. આપણે આપણી જાતને શીખવવું પડશે જે મારૂ છે તે સારું છે. તેને કઈ રીતે વધારે સારું કરી શકુ તે દિશાના પ્રયત્નો કરવા પડશે. મારા પગના વૈભવી જૂતાં મને ગમે છે કારણ મને આનંદ આપે છે, કમ્ફર્ટ આપે છે. મારા વર્તુળમાં મને બધાથી અલગ અને શ્રેષ્ઠ બતાવે છે પરંતું આ જૂતાં મારા જ દેશના, મારા જ રાજ્યના છેવાડાના માણસને આનંદ આપતા નથી.
            એક મુદ્દો ધ્યાને લેવા જેવો છે કે છેવાડાનો માનવી આત્મનિર્ભર જ છે. આનાથી વિશેષ રોજનું રોજ કમાઈને ખાવાવાળો વર્ગ આત્મનિર્ભર જ છે, કારણ કહેવાતી કોઈ બ્રાંડેડ વસ્તુનો કદાચ તેને મોહ નથી અને હશે તો પણ તે ભોગવવા સક્ષમ નથી. તેને કોઈ ઈન્ટરનેશનલ ચેઈનના પિઝા કે પાસ્તાની જરૂર નથી. તે જુદી જુદી વિદેશી ઘડિયાળો કે જૂતાઓ અને કપડાઓથી જોજનો દૂર છે. મોટી મોટી દુકાનો કે મોલના પગથિયાં કોઈ દિવસ તે ચડતો નથી. ન માત્ર આટલું પણ તેમના બાળકોને પણ રમવા અદ્યતન અને વિદેશી મોંઘા રમકડાં રમવા માટે જોઈતા નથી , વગર ચપ્પલે ચાલીને તેઓ આત્મનિર્ભર છે. સાંજ પડ્યે મકાઈ કે જુવારના રોટલાથી તેઓ રોજને માટે પોતાનું પેટ ભરવા ટેવાયેલા છે. તેમના નાના નાના બાળકો માટીના રમકડાં જાતે બનાવી અને પ્રકૃતિ સાથે રમવા ટેવાયેલા છે. તો પ્રશ્ન ઉદભવે છે કે આત્મનિર્ભર કોને બનવાનું છે?
                રોટી, કપડાં અને મકાનથી જેની પાસે ભગવાને આપેલું વિશેષ કઈંક છે. જેને " હું છુ, મારાથી છે અને મારૂ છે."  આવા ઉભરા દિવસમાં બે વાર ગળે આવે છે. ફલાણી ચીજ વિના મારે નહીં ચાલે. મારા લાડકવાયો ચિરંજીવ અમૂકેક વસ્તુઓ સિવાય એક ડગલું આગળ નહીં ચાલે એવો દુરાગ્રહ ધરાવનાર દરેક માણસે બદલવું પડશે.
              નાની નાની વાતોમાં આનંદ લેતા શીખવો પડશે. મારા દેશના દરેક વ્યક્તિ મારા છે એવો વિચાર કરીને દરેક પગલું વિચારીને ભરવું પડશે. થોડા સમય માટે ભલે થોડી ઊતરતી કે ઘસાતી વસ્તુ હશે પણ ચલાવવી પડશે. અંગત સ્વાર્થ નેવે મૂકી સમૂહમાં વિચરવું પડશે. મારા ભાઈ કે બહેને બનાવેલી વસ્તુને આનંદથી અપનાવવી પડશે. મારૂ એક નાનકડું પગલું  કેટલા ઘરના ચૂલામાં પ્રાણ પુરશે તે જોવું પડશે. મારા સ્વજનના  પુરુષાર્થને વખાણવો પડશે. અને આ મમત્વ એટલે  જ સ્વાભિમાન. અને આ સ્વાભિમાન જ આત્મનિર્ભરતાની દિશાનું પ્રથમ પગથિયું છે.



22/05/2020
સુરત.

Comments

  1. ખરેખર સમજવા જેવું અને વખાણ ને લાયક લખાણ.

    ReplyDelete
  2. સમજવા જેવી સુંદર વાત છે.

    ReplyDelete

Post a Comment