મુંજવણ : વિદ્યાર્થી અને પરીક્ષા

છેલ્લા કેટલાય સમયથી ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં વિદ્યાર્થી પરીક્ષાથી ચિંતિત છે. ખાનગી યુનિવર્સિટીઓએ ઉપલબ્ધ સવલતનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને છૂટા કરી દીધા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ રાજ્ય કે દેશની સરકારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે પરંતું કમનસીબે અને સંકલનના અભાવે સરકારે લાખો વિદ્યાર્થીઓને મુંજવણમાં મૂકી દીધા છે. પોતાના જડ રૂઢિવાદી નનૈયાને કારણે વિદ્યાર્થીઓએ અવઢવમાં મુકાયા છે. 

UGCએ પરીક્ષાઓ અને આવનારા શૈક્ષણિક સત્રની માર્ગદર્શિકા એપ્રિલ, 2020માં જાહેર કરી. જેમાં કઈ રીતે અને કેવી કેવી પદ્ધતિઓથી  પરીક્ષા યોજી શકાય તેની કાબર-ચીતરી માહિતી આપી અને 15મી જુલાઈ સુધીમાં પરીક્ષાઓ પૂરી કરી દેવાના આદેશ આપ્યા પણ સામે પક્ષે યુનિવર્સિટીઓએ પણ ગમે તે ભોગે જૂની રીતે ઓફલાઇન પરીક્ષાઓ લેવાનો જ આગ્રહ રાખ્યો. પરંતું દિવસે'ને દિવસે પરિસ્થિતી ખરાબ થતાં પરીક્ષાની તારીખોમાં ફેરબદલ કરવી પડી અને તેના માટે પણ વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોએ ધમપછાડા કરવા પડ્યાં. ખાટલે ખોટ એ છે કે ઉપલા સ્તરેથી એવું માની લેવામાં આવે છે કે નીચે બધું બરાબર જ છે, પરંતું વાસ્તવિકતા અલગ જ છે. સંકલનનો અભાવ ઉપરથી નીચે સુધી જોવા મળે છે. હેલ્પ-સેન્ટર શરૂ થાય પણ તેમાં બેસનાર વ્યક્તિને જ પૂરી માહિતી હોતી નથી એ વાસ્તવિકતા છે. જો સચોટ માહિતી મળતી ન  હોય તો આવી હેલ્પલાઇનનો કોઈ અર્થ ખરો ? બીજી હાસ્યાસ્પદ બાબત એ છે કે કેટલીક જગ્યાએ CONTACT US માં મોટા ઉપાડે બે - ત્રણ નંબર્સ આપ્યા હોય પણ બધા અમાન્ય હોય કે લાગતાં ન હોય. તકનીકી સમયમાં યુનિવર્સિટી પોતાની એક વેબસાઇટ અપડેટ કરી શકતી ન હોય અને સામે પક્ષે વિદ્યાર્થીઓ પાસેથી જ બધી અપેક્ષા રાખે તે કેટલું યોગ્ય ?

વિદ્યાર્થીઓ લાંબા સમયથી અભ્યાસથી વેગળા છે એટ્લે સ્વાભાવિક રીતે મોટા ભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષાલક્ષી કોઈ જ તૈયારી નહીં કરી હોય. આદર્શ સ્થિતિ માની લેવી કે દરેક વિદ્યાર્થીએ લોકડાઉનના સમયમાં તૈયારી કરી જ હશે એ ભૂલ ભરેલું છે. પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીને તૈયાર કરવા પડશે તેને તૈયારી માટે પૂરતો સમય આપવો પડશે. ઘણા વિદ્યાર્થીઓ આફતને અવસરમાં ફેરવવાનું વિચારતા હશે કેહતા'કે માસ પ્રમોશન જ એક વિકલ્પ તે પણ ખોટી માનસિકતા છે. માસ પ્રમોશન ન જ આપવું જોઈએ તેવું કહેવાનો અર્થ નથી પણ પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય થવો જોઈએ. આ મહામારી કોઈ એક સ્થળ, શહેર કે રાજ્ય પૂરતી સીમિત નથી પણ વૈશ્વિક છે એટ્લે વૈશ્વિક રીતે વિચારવું પડશે.

લગભગ એવો પ્રયત્ન નથી થયો કે જ્યાં વિદ્યાર્થીઓને સીધું પુછાયું હોય કે પછી કોઈ પોર્ટલ બનાવી પ્રશ્નો પૂછવાની છૂટ અપાઈ હોય.યુનિવર્સિટીએ પણ પ્રશ્નો નથી પૂછ્યા કે તમારે કેમ પરીક્ષા નથી આપવી? ડર કઈ બાબતનો છે? સામે પક્ષે વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નો છે કે અભ્યાસક્રમ પૂરો થયો નથી, પુસ્તકો પાસે નથી. કોઈ હોસ્ટેલમાં તો કોઈ પી.જીમાં રહીને અભ્યાસ કરે છે તો આવા સમયે ત્યાંની વ્યવસ્થા શું છે?

યુનિવર્સિટી સત્તાધીશોને પૂછેલા પ્રશ્નોનાં જવાબ આપવાની ટેવ ન હોય કે પછી ક્યાં દબાણ હેઠળ તેઓ જવાબ ન આપતા હોય તે સંશોધનનો વિષય છે. આવડતા જવાબો કે ઉપલબ્ધ માહિતીને મોટે મોટે કે દસ વાર પુનરાવર્તીત કરવાથી સામેવાળી વ્યક્તિના મનના પ્રશ્નોનું સમાધાન શક્ય નથી તેવું તેઓ સમજી શકતા નથી. વિદ્યાર્થીઓને સામાન્ય પરિસ્થિતીમાં ત્રણ કલાકની પરીક્ષા અને ઉપરાંત બે પેપર વચ્ચે રજા અપાતી હોય અને તમે જાહેર કરેલા કહેવાતા ટાઈમટેબલ માં રજાઓ તો દૂર પણ પ્રશ્નપત્ર પદ્ધતિ બદલી અને ઓછા સમયમાં પરીક્ષા ગોઠવો તે કેટલું યોગ્ય?  શું વિદ્યાર્થીએ આખું વર્ષ તે રીતે તૈયારી કરી છે? આવા અનેક પ્રશ્નો સતત ગૂંચવણ ઉત્પન કરે છે. પણ કોઈ પણ જ્ગ્યાએથી ખખડીને વ્યવસ્થિત જવાબો અપાયા હોય તેવું બન્યું નથી.

UGC. કે યુનિવર્સિટી એ કોઈ બે-પાંચ વ્યક્તિ નથી તે ઉપરથી માંડી છેડાના વિદ્યાર્થીથી બનતી સંસ્થા છે. તેનું પ્રત્યેક પગલું બધાં માટે હોવું જોઈએ. જવાબદાર વ્યક્તિએ જવાબદારી ઉપાડીને ચિત્ર સ્પષ્ટ કરવું જોઈએ. પવન ફરે એમ નિયમો ફેરવવા એ સમસ્યાનું નિરાકરણ નથી. સત્તાધીશો દ્વારા એવી જાહેરાત કરાય છે કે અમને  વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા છે એટ્લે બને તેટલી વહેલી યોજી આગળનો રસ્તો મોકળો કરવા માંગીએ છીએ . ઉદેશ્ય ઉત્તમ છે પણ તેને માટે ઉત્તમ નિર્ણય અને સાર્વત્રિક નિર્ણય લેવો પડશે. વિદ્યાર્થીઓને અને બધાને ગળે ઉતરે એવું કરવું પડશે. 

વિદ્યાર્થીઓએ પણ છટકબારી ન શોધવી જોઈએ. તમામના હિતને ધ્યાને લઈને વાસ્તવિક સ્થિતિને અનુરૂપ ઢળવું પડશે. આપણે અને બધાએ લવચીક બનવું પડશે પરંતું આનો અર્થ એવો નથી કે એક પક્ષે જ નમવું. યુનિવર્સિટીઓએ સંવાદ કરવો પડશે. પ્રશ્નોનું નિરાકરણ લાવવું પડશે અને બંને પક્ષે સમતોલન સાધી આગળ વધવું પડશે.

Comments

Post a Comment