ધુમ્મસ
ગઈકાલે રાત્રે એક દોસ્ત સાથે ફોન પર વાત થતી હતી. એ રસ્તા પર ગાડી લઈને ક્યાંક જતો હતો અને રસ્તે ભારે ધુમ્મસ હતું. એ ફોન પર સતત મુંઝાતો હતો કે સામે કશું દેખાતું નથી, રસ્તા પર કોઈ સાઈન બોર્ડ કે લાઈટો પણ નથી, ક્યાંક ગાડી ભટકાઈ જશે તો?
મેં હસીને એને કહ્યું, "દોસ્ત, ગાડી પણ જો જૂની સરકારી બસ જેવી હોય ને, તો એમાં આધુનિક હેડલાઈટ્સ કે ફોગ લાઈટની આશા રાખવી એ જ આપણી મૂર્ખામી કહેવાય. આવા રસ્તે તો બસ ગાડીની સ્પીડ સાવ ધીમી કરી નાખવી અને રસ્તાની સાઈડમાં જે કાચી સફેદ પટ્ટી દોરેલી હોય ને, એને જ પકડીને ધીમે-ધીમે ગિયર બદલ્યા વગર ચાલ્યા કરવું."
વાત તો અમે રસ્તાની મુસાફરીની કરતા હતા, પણ ફોન મૂક્યા પછી મને થયું કે આ ધુમ્મસ અને આ ખખડધજ ગાડી માત્ર રસ્તા પર જ નથી, આપણી રોજબરોજની જિંદગીમાં પણ કંઈક આવું જ છે.
જ્યારે આપણે કોઈ કામ કે નોકરીની શરૂઆત કરીએ ત્યારે મનમાં કેટલાય સપના અને આયોજનો હોય છે. આપણને એમ હોય કે આપણે બધું જ ફટાફટ અને એકદમ પરફેક્ટ કરી નાખીશું. પણ જમીની હકીકત સાવ જુદી જ નીકળે છે. કાગળિયાની અને વહીવટી નિયમોની માયાજાળ આપણને એવી રીતે ઘેરી લે છે કે જે ખરેખર કરવાનું કામ છે એ જ ક્યાંક સાઈડમાં રહી જાય છે. કાગળ પર બધું 'ઓકે' બતાવવાની આંધળી દોડમાં અંદરનો જીવંત માણસ ધીમે-ધીમે થાકવા માંડે છે.
એમાં વળી જેમની સાથે આપણે કામ કરવાનું છે, એમની સ્થિતિ અને ક્ષમતાઓ સાવ અલગ હોય છે. તેમની મર્યાદાઓ અને સંજોગો સમજ્યા વગર જ્યારે અચાનક મોટી અપેક્ષાઓનું દબાણ આવે, ત્યારે વચલો માણસ સાવ પીસાઈ જાય છે. જ્યારે વાસ્તવિકતા વગરની માંગણીઓ સામે આવતી રહે, ત્યારે અંદરનો ઉત્સાહ ધીમે-ધીમે શમી જાય છે. ક્યારેક તો કામની જગ્યાએ ઊભા રહીને મનમાં મોટો પ્રશ્નાર્થ થાય કે હવે શરૂઆત ક્યાંથી કરવી? મનમાં સતત એક અજંપો રહે કે આ બધું ક્યાં જઈને અટકશે?
આવી ગડમથલમાં કોઈકનો એક સુંદર શેર વારંવાર યાદ આવે છે:
"ખીણની ધારોધાર રાખ્યો તેં,
એક ડગલુંય છૂટથી ભરી ન શકું."
આપણે બધા અત્યારે એક એવા અજાણ્યા રસ્તા પર છીએ જ્યાં ચારેય તરફ વહીવટી ધુમ્મસ છવાયેલું છે. કોઈને આગળનો રસ્તો ખબર નથી, બધા જ અંધારામાં બસ ગાડી ચલાવે રાખે છે. કોણ ક્યારે ક્યાં અથડાય છે એની કોઈને ચિંતા જ નથી. બધું બસ ચાલ્યા કરે છે. આ ધુમ્મસભર્યા રસ્તે ૨૦-૩0ની સ્પીડે ચાલતા રહીએ તોય ગંતવ્ય સ્થાને ક્યારે પહોંચીશું એનો કોઈ ભરોસો નથી, અને કદાચ એની કોઈને પડી પણ નથી.
Comments
Post a Comment